ગુજરાત: ‘વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ જોવા દેશ અને દુનિયાના લોકો ડાંગ આવશે એ દિવસો હવે દૂર નથી.’ આ શબ્દો ગતરોજ આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને, સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ડાંગના ખેડૂતો સામે રાજ્ય અને દેશના લોકો આશાની મીટ માંડી રહ્યા છે. ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ બાદ, ડાંગના ખેડૂતો અને તેમના ખેત ઉત્પાદનની માંગ વધવા સાથે દેશના લોકો પ્રાકૃતિક ખેતી કરતા ડાંગી ખેડૂતોને સન્માનની દ્રષ્ટિએ જોશે. ગાય, ગોબર, અને ગૌ મૂત્રનુ મહત્ત્વ વર્ણવતા રાજયપાલે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની ભાવના સાથે ખેત ઉત્પાદન કરતા ડાંગના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી નરેશભાઈ પટેલ, કૃષિ-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિના પ્રચારક અને ગુજરાતના કલાકાર સાંઇરામ દવે તથા ડાંગના માજી રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.