ગુજરાત: ગુજરાતમાં શિયાળાની શરુઆતમાં જ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સર્જાતાં રાજ્યના ૯૩ તાલુકામાં કમોસમી વરસાદ  ગતરોજ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વહેલી સવારથી મધ્યમથી હળવો વરસાદ થયો હતો. જ્યારે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે માવઠું થયું હતું. સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને ઝીંઝુવાડાના રણમાં ધોધમાર કમોસમી વરસાદ વરસતાં અગરિયાઓને ભારે નુકસાન થયાના અહેવાલો મળ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી ડાંગ સહિતના વિસ્તારમાં મોડી સાંજે વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરુચ, તથા દાદરા-નગર હવેલીમાં પણ હળવા વરસાદની સંભાવના છે. આવનારા ૫ દિવસો દરમિયાન આ જ સ્થિતિ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે