વાંસદા: નવસારી જિલ્લાના છેવાડાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામનો માસ્ક-સેનેટાઇઝરના વિતરણમાં ગપલો કર્યાનો મામલો જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોહચ્યાની વાતો વહેતી થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ વાંસદાના ચાપલધરા ગામમાં ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલા માસ્ક-સેનેટાઇઝરના વિતરણ મામલે ફરી એકવાર જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આ અગાઉ તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મામલાનો હજુ કોઈ નિષ્કર્ષ ન આવતા હવે રાવ જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ પહોંચી છે. લગભગ છ મહિના પહેલા કોરોનાકાળમાં કરવામાં આવેલ કામગીરીને લઈને જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગવામાં આવતા પંચાયતે લગભગ પોણા પાંચ લાખ રૂપિયા માસ્ક-સેનેટાઈઝર, સાબુ, હેન્ડવોશના ખરીદી અને વિતરણ તેમજ અન્ય કામગીરીમાં વાપરવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.

આ મામલે ગામના નાગરિકોને થયેલ કામો અને ખર્ચમાં વિસંગતતા લાગતા તાલુકા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે વિસ્તરણ અધિકારીએ સ્થળ પર આવીને તપાસ પણ હાથ ધરી હતી. જોકે, ઘણો સમય થઇ ગયો હોવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી ન થતા હવે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.