ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ખાંભડા ગામે દેસાઈ ફળિયા નહેરનાં ઓવારા પાસે આદિકાળથી ચાલતી આદિવાસી રૂઢિ પ્રથા અનુસાર વાઘબારસની ઉજવણી ખાંભડા રૂઢિ પ્રથા ગામ સભાનાં અધયક્ષ રમેશભાઈ મગનભાઈ પટેલ અને આદિવાસી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા કરાતી વાઘ દેવની પૂજા કરતાં આ વાઘ દેવના સ્થાનકની કેટલીક વિશેષતા ઓ છે, જેમકે ભાખર ( પાનગ ) બનાવવાનું કાર્ય તેઓ કરે છે. સામાન્ય રીતે વાઘ દેવના સ્થાનકે અસલની જ મૂર્તિ હોય છે. જ્યારે અહીં તો અસલની મૂર્તિ ઉપરાંત ડાંગ વિસ્તારમાં જોવા મળતી મૂર્તિ પણ બિરાજમાન છે. એટલે કે એક જ દેવની મૂર્તિઓ છે. સામન્ય રીતે વાઘ બારસના દિવસે મોળી ખીર, પાનગા બનાવવામાં આવે છે. જ્યારે આ સ્થાનકે મોળી ખીર, પાનગા તો બને જ છે. ઉપરાંત દૂધમાં શીરો બનાવવામાં આવે છે. જે સ્થાનકે આવેલ વ્યકિતઓને તો આપવામાં આવે છે. તેમજ વ્યક્તિઓ આવી શક્યા ન હોય તેમના માટે ઘરે લઈ જવા માટે આપવામાં આવે છે.

વાઘદેવના સ્થાનક તો આદિવાસી ગામ કે ફળિયામાં તો હોય જ છે. દક્ષિણ ગુજરાતમાં ખાભડા ગામ જેવા જ્ઞાતિના વૈવિધ્યવાળા ગામમાં આ પ્રકારનું મંદિર બનાવ્યું છે. અર્થાત્ ડાંગના ડુંગર, જંગલોમાં વાઘદેવના સ્થાનકો હતા. હવે મેદાની પ્રદેશમાં પણ આ પ્રકારના સ્થાનકો થયા છે. દૂર દૂરથી આદિવાસી સમાજના લોકો દર્શનાર્થે આવી પોતાની શ્રદ્ધા અર્પણ કરે છે.