ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ ઘ્વારા જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા તેમજ જીલ્લા પ્રમુખશ્રી રામુભાઇ ગાવિત તેમજ જીલ્લા તાલુકાનાં હોદેદારો તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં ડાંગ જીલ્લા પોલીસ અધિક્ષકને ગુજરાત પોલીસના વિવિધ જવાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ લાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ગુજરાત પોલીસ દળ દિવસરાત ખડેપગે રહીને જનતાની સુરક્ષા અને સલામતી કરી રહ્યું છે. તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યુટી ઉપર રહીને જનસેવા કરે છે ત્યારે પોલીસ દળનાં વર્ષો જુના પડતર નિમ્ન દર્શાવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આમ આદમી પાર્ટી દ્વારા  સરકારમાં રજુઆત કરી. જેમ કે..

૧. હથિયારી-બિનહથિયારી પોલીસ, એસઆરપી, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોનાં હાલના પગાર-ભથ્થાનાં માળખામાં ધરમૂળથી સુધારો કરી તેમની ૨૪ કલાકની ડયુટી પ્રમાણે નવા ગ્રેડ-પે સાથે અદ્યતન પગાર-ભથ્થા લાગુ કરવામાં આવે. ૨. કોન્સ્ટેબલ થી પીએસઆઈ સુધીના વર્ગ-૩ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરવી અને બદલી માટે નેતાઓ કે અધિકારીઓને આજીજી કરવી ન પડે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શક્તા અને ઝડપ આવે તે સારૂ રાજ્ય કક્ષાએ “પોલીસ બદલી કમિટી”ની રચના કરવી. ૩. બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે માટે પોલીસ સ્ટેશનોમાં અટકાયતી પગલા, પ્રોહીબીશન એક્ટ, એમ.વી એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી. ૪. એસ.આર.પી બટાલીયનને મહાનગરો અને જીલ્લામાં જરૂરીયાત પ્રમાણે સ્થાયી કરવામાં આવે. ૫. વતન સિવાયના જીલ્લામાં પોસ્ટીંગ થયેલ મહિલા પોલીસને અગ્રીમતાનાં ધોરણે રહેણાંકનું મકાન ફાળવવામાં આવે તેમજ કચેરીમાં મહિલા પોલીસની પ્રાઈવસી અંગે વ્યવસ્થા કરવામાં આવે. ૬. પોલીસની સમસ્યાઓનાં નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશ્યથી “પોલીસ યુનિયન”ની માન્યતા આપવી.