નવસારી: દર વર્ષે નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે ત્યારે નવસારી જિલ્લામાં ડાંગરનું માર્કેટ ગગડ્યું છે, ત્યારે સરકારના જાહેર કરેલા ટેકાના ભાવની કેટલીક નીતિના કારણે વર્તમાન સમયમાં સ્થિતિ બદલાઈ છે અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ જોઈએ તો A-1 ગ્રેડના પ્રતિ ક્વિન્ટલ 1960 રૂપિયા, કોમન ગ્રેડના પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા નક્કી થયા છે. સાથેસાથે સરકારે ડાંગર ખરીદવા માટે કેટલીક શરતો પણ રાખી છે. જેમ કે 5 તાલુકાના સેન્ટર પર જ્યાં ડાંગરના પાકની ક્વોલિટી નક્કી થાય છે. સરકારે હેક્ટર દીઠ 2380 કિલો ડાંગર ખરીદવાની નીતિ બનાવી છે, પણ જો એક હેક્ટરમાં વધુ ડાંગર પાકે તો તેનું શું કરવું તેનો કોઈ જવાબ સરકારે પાસે નથી. સાથે જ નિયત કરેલી જગ્યાએ ખેડૂતોએ પોતાના પાકનું સેમ્પલિંગ આપવા માટે મોટા વાહનમાં ખુલ્લો પાક ભરીને જવાનો રહે છે અને ડાંગરની ક્વોલિટી બાબતે પ્રશ્ન ઉભો થાય તો ખેડૂતોએ પોતાના ખર્ચે માલ પરત ઘરે લાવવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.
રાજ્ય સરકારનો હેતુ જો ખેડૂતોની આર્થિક મુશ્કેલી હલ કરવાનો જ હોય તો તેમણે ડાંગરના ટેકાના ભાવની ખરીદી મામલે ઉદ્દભવેલા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની જરૂર છે. હાલમાં સરકારની ખેડૂત વિરોધી નીતિથી નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો નિરાશ થયા છે.