છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકના જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પરત્વે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરે વ્યાપક જનહિતમાં પદાધિકારીઓ દ્વારા જે સમસ્યાઓ રજૂ કરવામાં આવે તે સમસ્યાઓનું સંબંધિત વિભાગ દ્વારા ઝડપી નિરાકરણ થાય એ બાબતની તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી.
વધુમાં તેમણે ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા જે રજૂઆતો કરવામાં આવતી હોય તેનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે નિકાલ કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું. બેઠકમાં વિવિધ મુદ્દાઓની પૈકી લોકો દ્વારા કરવામાં આવતી અરજીઓ અંગે ચર્ચા કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, લોકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય એ ખૂબ જરૂરી છે.