વલસાડ: કપરાડામાં નાનાપોઢાં ખાતે બાઈકનો હપ્તો ભરી વાપી નોકરીએ જઇ રહેલા યુવકને પારડીના પરિયા ઉદવાડા રોડ ઉપર ટેમ્પો ચાલકની બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલક ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી તાલુકાના પરીયા- ઉદવાડા માર્ગ ઉપર આજરોજ કપરાડાના એક યુવાનને નાનાપોઢાં બાઈકનો હપ્તો ભરીને વાપી નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે પરિયા ગામના તળાવ પાસે પૂર ઝડપે આવતો GJ-15-YY-5860 નંબરનો આઇસર ટેમ્પોના ચાલકે GJ-15-DN-3058 નંબરની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક પર સવાર યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માત સ્થળ પર સ્થાનિક લોકો ભેગા થઇ જતાં ટેમ્પા ચાલકને પકડી પારડી પોલીસ મથકે સોપ્યો હતો ત્યાર બાદ PSI કે.એમ.બારીયાની ટીમએ અકસ્માત સ્થળની મુલાકાત લઇ સ્થળ પર જ પંચનામું કરી ટેમ્પો ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો અને લાશને PM માટે મોકલી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે.