ક્રિકેટ: આજે IPL 2021માં ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મુકાબલો સાંજે 7:30 કલાકથી પ્રારંભ થશે ત્યારે દર્શકોમાં ઈંતજારી એ જાણવાની ખુબ જ છે કે આજે દશેરાના દિવસે કોના ઘોડા દોડશે ચેન્નઇ સુપર કિંગ્સના કે કોલકાતા નાઇટ રાઇડર્સના ?

દિલ્હી સામે નાટયાત્મક વિજય મેળવનાર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે શુક્રવારે રમાનારી આઇપીએલ ટી20 લીગની ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીની જાદુઈ કેપ્ટનશિપ ચેન્નઇ સુપર કિંગ્સ માટે અભેદ સુરક્ષા કવચ સમાન સાબિત થઈ શકે છે. વિશ્વભરના ક્રિકેટ પ્રેેમીઓ દશેરાના દિવસે કેપ્ટન કૂલની આક્રમક બેટિંગની આતુરતાથી રાહ જોશે કારણ કે, ધોની સંભવિત છેલ્લી વખત પીળી જર્સીમાં રમશે.

આંકડા ઉપર નજર નાખીએ તો ચેન્નઇની ટીમ 12 સિઝનમાં નવ વખત ફાઇનલમાં પહોંચી છે. ચેન્નઇએ ત્રણ વખત ટાઇટલ જીત્યા છે અને પાંચ વખત ફાઇનલમાં હારી છે. બીજી તરફ કોલકાતાએ બંને વખત ટાઇટલ સુકાની ગંભીરના નેતૃત્વમાં જીત્યા હતા. ત્યારે આજની ફાઈનલ મેચમાં કોના ઘોડા દોડશે એ જોવું રસપ્રદ રહશે.