કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતા હોવાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 18 ઓક્ટોબરથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 85 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી રહી છે. ગત મહિને એવિએશન મંત્રાલયે એક પરિપત્ર જાહેર કરીને ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 85 ટકા સાથે ઓપરેટ કરવા મંજૂરી આપી હતી. કોરોના મહામારીને પગલે દેશમાં 12 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર વચ્ચે એરલાઈન્સ 72.5 ટકા ક્ષમતા સાથે જ્યારે તે પૂર્વે 5 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે 65 ટકા સાથે સંચાલન કરતી હતી.

મળતી માહિતી મુજબ 9 ઓક્ટોબરના રોજ ભારતીય એરલાઈન્સે 2,340 ડોમેસ્ટિક ઉડાન ભરી હતી જે કોરોના પૂર્વેના સમયગાળાની તુલનાએ 71.5 ટકા ફ્લાઈટ સંચાલન હોવાનું જણાવે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું કે, એરલાઈન્સ 18 ઓક્ટોબર 2021થી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કોઈપણ મર્યાદા વગર સંચાલિત કરી શકશે. કેન્દ્ર સરકારે ગત વર્ષે 25 મે ના રોજ બે મહિનાના બ્રેક પછી ડોમેસ્ટિક એર સર્વિસ પૂર્વરત કરી હતી. તે સમયે મંત્રાલયે એરલાઈન્સને 33 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ ચાલુ કરવા મંજૂરી આપી હતી. ત્યારબાદ સમયાંતરે ક્ષમતામાં વધારો કરાયો હતો અને ડિસેમ્બર 2020 સુધીમાં 80 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ સંચાલન કરવા છૂટ આપવામાં આવી હતી.

દેશમાં ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરને પગલે કોરોનાના કેસોમાં વધારો નોંધાતા કેન્દ્ર સરકાતે ફરીથી પેસેન્જર ક્ષમતા ઘટાડીને 50 ટકા કરી હતી. હવે ધીરે ધીરે તેમાં વધારો કરીને 100 ટકા ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે. તમામ એરલાઈન્સે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.