રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલતા શાળા આરોગ્ય પ્રોગ્રામમાં ૦ થી ૧૮ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા બાળકો, આંગણવાડીના બાળકો, સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો, આશ્રમ શાળા, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કરવામા આવે છે. જેમા ઘણા બાળકોને ગંભીર રોગ હોવાથી ઓપરેશનની જરૂર પડતી હોય છે. આવા બાળકોના સંદર્ભ કાર્ડ ઉપર નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કરવામાં આવતી હોય છે.

શાળા આરોગ્ય કાર્યક્રમના ડાંગ જિલ્લાના નોડલ ઓફિસર દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર તાજેતરમા જ ડાંગ જિલ્લાના કુલ 9 બાળકોને નિદાન અને સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

જે પૈકીના 3 બાળકોને હૃદય રોગની સર્જરી માટે આગામી તારીખ 20 મી ઓક્ટોબર,2021 તેમજ 1 બાળકને 30 મી નવેમ્બર,2021 ના રોજ ઓપરેશન માટેની તારીખ આપવામા આવી છે. જ્યારે અન્ય 5 બાળકોને ફોલોઅપ માટે બોલાવવામા આવ્યા છે, અને 1 કેન્સરગ્રસ્ત બાળકને હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવેલ છે.