ગત વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રી યોજાય શકી નહિ, આ વર્ષે નવરાત્રી હવે ઘરઆંગણે આવી ગઇ છે. ત્યારે નવરાત્રી મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લોકોના હિતમાં લેવાયો છે. જેથી આ વર્ષે માત્ર શેરી ગરબાનું જ આયોજન કરી શકાશે. શેરી ગરબામાં 400 લોકોને જ છૂટ આપવામાં આવી છે. સાથે 12 વાગ્યા સુધી જ લોકો ગરબા રમી શકશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, 12 વાગ્યા સુધી જ રાત્રિ કરફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી શેરી ગરબા પણ રાતના 12 વાગ્યા સુધી જ યોજી શકાશે. નિયમ પ્રમાણે ગરબા રમતા હશે તેને પોલીસ હેરાન નહીં કરે.

આ વખતે CM એ તમામ વિભાગ સાથે ચર્ચા કરીને મહત્વનો નિર્ણય કર્યો છે. આ વખતે કોરોના સામેની લડાઇ સાથે નવરાત્રીની ઉજવણી કરીએ. સોસાયટીના ગરબામાં જેઓએ વેક્સિન લીધી હશે તેઓ જ ગરબા રમી શકશે. જેથી તમામ લોકો વેક્સિન લઇ લે. જો કે તમને જણાવી દઇએ કે, આ અંગે કોમર્શિયલ આયોજન નહીં થાય.