માંડવી: 1 ઓક્ટોબર 2021ના રોજ મનરેગા અંતર્ગત માંડવી તાલુકાના પ્રથમ મિયાવાકી પ્રોજેકટ અંતર્ગત 520 રોપાથી જંગલ તૈયાર કરવામાં આવ્યુ. 100 વર્ષમાં તૈયાર થતું જંગલ માત્ર 10 વર્ષમાં તૈયાર થશે. જાપાની મીંયાવાકી પદ્ધતિથી ઘરના વાડાની નાની જગ્યામાં પણ ઘનઘોર જંગલ ઉછેરી શકાય છે.

Decision Newsને મળેલી માહિતી માહિતી મુજબ આ યોજના થકી ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ પદ્ધતિમાં જમીનની નીચે કંદમૂળ, જમીનના સ્તરે એટલે કે સપાટી પર શાકભાજીના અને ઔષધીય વેળા, તે પછી જમીનથી 2 મીટર ઊંચા ઉગતા છોડ અને તે પછી વધુ ઊંચાઈએ પહોંચતા એ પ્રકારે ક્રમિક વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. જેથી ખેડૂતોને નિયમિત રીતે ટુંકા અને લાંબા ગાળાની આવક અને ઉત્પાદન મળવાની સાથે આવકમાં વૃદ્ધિ થાય છે. ‘જાપાનના અકિરા મિયાવાકી’ એ ટૂંકા ગાળામાં ઘાટદાર અને ગાઢ જંગલ ઉછેરવાના હેતુસર આ પદ્ધતિ વિકસાવી છે.

વિશ્વના અનેક દેશોએ વનપતિ શાસ્ત્રી મીંયાવાકીની આ પદ્ધતિ અપનાવી જંગલ નિર્માણ કર્યા છે. મિયાવાકી પ્રક્રિયામાં ત્રણ પ્રકારના સ્તરોએ વૃક્ષોની વાવણી કરવામાં આવે છે. જેથી બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે. પ્રથમ સ્તરમાં નિમ્ન સ્તરીય રોપા જેમ કે શેતુર, નગોળ, અરડૂસી, સીતાફળ, કરેણ, જામફળ વગેરે પાકોનું ઉત્પાદન થાય છે. માધ્યમ સ્તરીય રોપામાં ગુલમહોર, બદામ, બંગાળી બાવળ વગેરે જેવા રોપા રોપવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય રોપામાં પીપળ, દેશી બબુલ, ખાટી આમલી, શિરશ તથા કોઠા જેવા વૃક્ષો વાવવામાં આવે છે. જમીનની ઉપર ડોડી તથા મધુનાશીની જેવા ઔષધીય અને કોળા, દૂધી જેવા શાકભાજીના છોડ લગાડવામાં આવે છે તેમજ જમીનની અંદર શતાવરી, સુરણ, રતાળુ, હળદર તથા આદુ જેવા રોપા લગાવવા મા આવે છે. પિયત તથા બિનપીયત બંને રીતે આ જંગલ ઉછેરી શકાય છે. કંપોસ્ટ ખાતર નાખીને છોડની માવજત કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા જળવાય છે.

આ પદ્ધતિથી ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પાટણ વગેરે જીલ્લાઓમાં મોડેલ વન ઉભા કરવામાં આવ્યા છે. જાપાનમાં જમીન ખુબ ઓછી હોવાથી જંગલ ઉછેરની આ પદ્ધતિ તેમણે વિકસાવી જેની તરફ આજે જગતનું ધ્યાન દોરાયું છે. આ પદ્ધતિ ભારત સહિત વિશ્વના કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં નાના મોટા જંગલ ઉછેરવામાં આવી રહ્યા છે.