નર્મદા : ઉપરવાસમાંથી કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં કરજણ ડેમમાંથી 1 લાખ 64 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે કરજણ નદીમાં પુર આવતાં ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકશાન થયું છે. નદીના પુરના કારણે રાજપીપલામાં આવેલા ઐતિહાસિક ઓવારાનું પણ ધોવાણ થયુ છે.
ખેડૂતોને થયોલા નુકસાન અને ઓવારાનું ધોવાણ થતાં સાંસદ મનસુખ વસાવાએ તમામ સ્થળોની મુલાકાત લીધી હતી. ખેડૂતો સાથે વાતચીત કરીને સાંસદે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમનું પાણી કોઈ પણ જાતની જાણ કર્યા વગર વહેલી સવારે ૦૪ વાગ્યાના આસપાસ બધા ગેટ એક સાથે ખોલી કરજણ નદીમાં પાણી છોડવામાં આવ્યું. વધુ પડતા પાણીના કારણે કરજણ નદી બે કાંઠે વહેવા લાગી અને નદીના વધુ પ્રવાહના કારણે નદીના બંને કાંઠાનું ભયંકર રીતે નુકશાન થયું છે.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપલાના સ્ટેટ સમયનો ઐતિહાસિક ઓવારાનું ભારે નુકસાન થયું છે તથા રાજપીપલા સ્મશાન થી કરજણ નદીના નવા બ્રિજ સુધી રાજપીપળા શહેરની સાઈડનો રસ્તો જે ખેડુતો તથા રાજપીપલાની આમ પ્રજા માટે ખૂબ ઉપયોગી રસ્તો હતો. તે રસ્તો પણ ધોવાઇ જવા પામ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજપીપળાના કાછીયાવાડના ખેડૂતો, માછી સમાજના ખેડૂતો તથા આદિવાસી ખેડૂતોનું તથા નદી કિનારે આવેલા અનેક ગામો જેવા કે હજરપરા, ભચરવાડા, બદામ તથા ધાનપુર ગામના ખેડૂતોની જમીનનું તથા કેળ સહિત ઉભા પાકનું અને ખેતરમાં બનાવેલી ફેન્સીંગ વાડનું ભારે નુકસાન થયું છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે સર્વે કરાવામાં આવે અને બંને કાંઠાનું ભવિષ્યમાં આ પ્રકારનું ધોવાણ ન થાય તે માટે જરૂર જણાય ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવા રજૂઆત કરીશ છે. ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર સર્વે કરાવી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તે માટે કલેક્ટરશ્રી નર્મદાનું ધ્યાન દોરવામાં આવશે અને સરકારશ્રીમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન પર આ વિષય લાવીશું.

