વલસાડ: આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો હોવાનું જાણવા મળે છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર કપરાડામાં 2 ઇંચ થી વધારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોડી રાતથી જિલ્લાના વલસાડ ધરમપુર પારડી વાપી અને ઉમરગામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જુઓ આ વીડિઓ માં…
ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં સવારે બે ઈંચથી વધારે વરસાદ વરસતા ભારે વરસાદથી તાલુકાના અનેક અંતરિયાળ ગામોમાં થી પસાર થતા નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહેતા હોવાથી કેટલાક લો લેવલ પુલ અને કોઝવે પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ છે. તાજા જાણકારી મળ્યા અનુસાર કપરાડાના નીલોસી ગામના મુખ્ય રસ્તા પર આવેલા કોઝવે પુલ પરથી પાણી પસાર થતાં કપરાડા તાલુકાના કરજુન, કૉલવેરા, સાહુડા, નાનીપલસાણ સહિત અંદાજિત બાર થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓ ધરમપુર , પારડી, વલસાડ ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.