પંજાબ રાજ્યમાં કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તમામ પ્રયત્નો છતાં કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના કટ્ટર હરીફ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે રાજકીય યુદ્ધનો અંત આવી શક્યો નથી. આજે ૫ વાગે યોજાનારી ધારાસભ્યોની મહત્વની બેઠક પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની ‘પીડા’ દેખાઈ રહી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમરિંદર સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું હતું કે, તેઓ આવા અપમાન સાથે કોંગ્રેસમાં રહી શકતા નથી. ધારાસભ્યોની આ બેઠક કોંગ્રેસ પાર્ટી દ્વારા બોલાવવામાં આવી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોની આ બેઠકથી રાજ્યમાં કોંગ્રેસની સરકારમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કે કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું, “આવું અપમાન પૂરતું છે. આવું ત્રીજી વખત થઈ રહ્યું છે. હું આવા અપમાન સાથે પાર્ટીમાં રહી શકતો નથી.” આ બેઠક મુખ્યમંત્રી અમરિંદર સિંહ માટે મુશ્કેલી બની શકે છે, કારણ કે 40 થી વધુ નારાજ ધારાસભ્યોએ પાર્ટી હાઇકમાન્ડને પત્ર લખીને તેમને હટાવવાની માંગ કરી છે. તમામ ધારાસભ્યોને આ પક્ષની બેઠકમાં ફરજિયાત રીતે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. હરીશ રાવત અને અજય માકન પણ નિરીક્ષક તરીકે હાજર રહેશે.

ગયા મહિને પંજાબના ચાર પ્રધાનો અને કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી સામે નારાજગીનો અવાજ ઉઠાવ્યો હતો. ધારાસભ્યોએ કહ્યું હતું કે તેઓને હવે વિશ્વાસ નથી રહ્યો કે અમરિંદર સિંહમાં વચનો પૂરા કરવાની ક્ષમતા છે.