છોટાઉદેપુર જિલ્લામાં એક લાખ લોકોના રસીકરણ સામે રાત્રીના 10:00 વાગા સુધીમાં 40,904 નું રસીકરણ નોંધાયું હતું. તા. 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મહારસીકરણ અભિયાન દરમિયાન એક લાખ લોકોના રસીકરણ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું. શુક્રવારે સવારના 4 કલાકથી રાત્રીના 12 કલાક સુધી આ રસીકરણ અભિયાન હાથ ધરાયુ હતું. કલેકટર તથા ડીડીઓ દ્વારા વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે તે માટે પ્રજાને અપીલ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાની વસતિ 10.71 લાખ છે. જે પૈકી મતદાર યાદી પ્રમાણે 8,18,712 પુખ્ત વયના નાગરિકોનું રસીકરણ કરવાનું થાય છે. આમાંથી 5,66,982 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને તંત્ર દ્વારા 72.45 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા ડોઝ માટે લાયક 2,38,882 લાભાર્થીઓ પૈકી 1,96,922 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.