વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતભરમાં ૪૦૦ થી વધુ સ્થળોએ ગરીબ હિતકારી કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસે આયોજિત ગરીબ કલ્યાણના કાર્યો અંતર્ગત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના -2.0 હેઠળ ગુજરાતમાં પાંચ લાખથી વધુ ગરીબ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અપાશે.

રાજ્યના મહાનગરોમાં સ્લમ એરિયામાં શ્રમિકોને ઘરની નજીકમાં આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૨૫૦ જેટલા પંડિત દિનદયાળ ઔષધાલયનો શુભારંભ કરાશે. ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત ૮પ૦૦ નિરાધાર બાળકોને માસિક સહાય સીધી બેંક ખાતામાં ચૂકવવાનો પ્રારંભ થયો છે.

તેમજ, ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હેઠળ શૌચાલય, શોષ ખાડા મરામત, ગોબરઘન, ઘન કચરા નિકાલની વ્યવસ્થા વગેરે મળીને રૂ. ૧૪ર કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધરાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વિકાસની જે બુનિયાદ રચી છે તેના કેન્દ્રમાં ગરીબ-વંચિત-છેવાડાના માનવીના શિક્ષણ, આરોગ્ય, રોજી-રોટી, આવાસ અને માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગરીબોના વિકાસના નામે થાગડ-થીગડ યોજનાઓ બનાવી ગરીબોના નામે વાહવાહી મેળવવાના યુગનો ગરીબોના બેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અંત લાવી દીધો છે.