પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા ટિબરીવાલ સામે છે. મમતા બેનર્જી અને પ્રિયંકા તિબરીવાલ બંનેએ ઉમેદવારી પત્ર ભર્યું છે. 30 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા ભાજપે મમતા બેનર્જીના ઉમેદવારી પત્ર પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબરીવલના મુખ્ય ચૂંટણી એજન્ટ સેજલ ઘોષે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે, ભાજપનું કહેવું છે કે ઉમેદવારી પત્ર દાખલ કરતા સમયે મમતા બેનર્જીએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા પાંચ પોલીસ કેસનો ખુલાસો કર્યો નથી.

ભવાનીપુર પેટાચૂંટણી જીતવી મમતા બેનર્જી માટે જરૂરી છે. જો તેઓ તેમાં સફળ નહીં થાય તો તેમણે મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડશે.

આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી ભાજપના સુવેંદુ અધિકારી સામે ચૂંટણી હાર્યા બાદ મમતા બેનર્જી સામે આવી નોબત આવી છે.

આ મામલા પર ટીએમસીનું કહેવું છે કે મમતા બેનર્જીએ માત્ર મામલાના ખુલાસા કરવાની જરૂર હતી જો ખરેખર આરોપ પત્રમાં તેમનું નામ છે. તો ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરીવાલના ચૂંટણી એજન્ટે પોતાની ફરિયાદ નોંધવા માટે ભવાનીપુરના રિટર્નિંગ ઓફિસરને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે મમતા બેનર્જી વિરુદ્ધ પાંચ પોલીસ કેસ દાખલ છે અને તેઓ આ વિગતનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

મહત્વનું છે કે, મમતા બેનર્જી વિરુદ્ધ બધા પાંચ કેસ અસમમાં નોંધાવવામાં આવ્યા છે. આ પ્રકારની ફરિયાદ તેમની વિરુદ્ધ એપ્રિલ-મે ચૂંટણી પહેલા દાખલ કરવામાં આવી હતી.