UNO દ્વારા જાહેર ૧૩ સપ્ટેમ્બર “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, કેવડીયા રોડ પર આદિવાસી અધિકારોની માંગ સાથે કેવડીયાના ગ્રામજનોએ હાથમાં પ્લેકાર્ડ, પોસ્ટર લઇ માનવ શૃંખલા બનાવી આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોને પોસ્ટર અને પ્લેકાર્ડ થી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ જ મુદ્દે કેવડિયાના યુવા આગેવાન રાજ તડવીએ જણવ્યું હતું કે, સંસ્કૃતિ, અસ્તિત્વ અને આપણા જળ, જંગલ, જમીન બચાવવા માટે, આપણા હક્ક અને અધિકાર મેળવવા માટે કેવડિયા ગામના લોકો માનવ શૃંખલાનું આયોજન કર્યું હતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે ઇકો સેન્સીટીવ ઝોન, વેદાંતા ઝીંક પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેવા ઘણા બધા પ્રોજેક્ટો અને કાયદાઓ લાવી ગુજરાત સરકાર આદીવાસી વિસ્તારમાં લાવીને આદિવાસીઓની જળ, જંગલ, જમીન છીનવી રહી છે.

વધુમાં રાજ તડવીએ જણાયું હતું કે, ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજને આવાહન કરવા માગું છું કે આપણી જળ, જમીન, સંસ્કૃતિ, અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેવી લડાઈ લડવી પડે એવી આપણે લડી લેવી પડશે, આપણા પૂર્વજો અંગ્રેજો સામે નથી હાર્યા, કોઈના ગુલામ નથી બન્યો તો આપણે કેમ આ તાનાશાહી સરકારના ગુલામ બનીને બેસી રહેવું. ક્યાં સુધી પાર્ટી પક્ષમાં વાડામાં વહેચાયેલા રહેશું? જો આમ અસંગઠિત રહીશું તો આપણું અસ્તિત્વ ખતમ થઇ જશે, આપણી જળ, જંગલ, જમીન ગુમાવી દેશું, તો આજે એક સંકલ્પ કરીએ કે આપણી જળ, જમીન અને સંસ્કૃતિની લડાઈમાં દરેક આદિવાસી આગળ આવે આપણા હક્કો માટે આવાજ ઉઠાવે.

શું છે આદિવાસીઓની વિવિધ માંગ?

(1) સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ -2019 રદ કરી સંવિધાનની પાંચમી અનુસૂચિનો અમલ કરો.
(2) જંગલોના સંવર્ધનના નામે ખાનગી કંપનીઓને જંગલોની ફાળવણી બંધ કરો, અનુસુચિ-5 અને વન અધિકાર અધિનિયમ-2006 અનુસાર જંગલોના સંવર્ધન તથા પુન:નિર્માણ માટે સામુદાયિક વન અધિકાર સુનિશ્ચિત કરો.
(૩) પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના બંધ કરો , દેશની સૂકી-મૃતપ્રાય નદીઓને પુન:જીવિત કરો, પાણીના સ્થાનિક સ્ત્રોતોનુ સંવર્ધન-પુન:નિર્માણ કરો.
(4) આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર તથા આદિવાસી અધિકારોનું સન્માન તેમજ પાલન કરો.
(૫) અનુસુચિ-5 તેમજ 73 (અઅ) માં જમીન સંબંધિત સંશોધનો રદ કરો અને આદિવાસીઓની જમીન પરત કરો.
(6)દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર ( DMIC) બંધ-રદ કરો, લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી બેરોજગાર યૂવાઓની રોજગારી સુનિશ્ચિત કરો.
(7) રાષ્ટ્રીય ઉધાન, પ્રવાસનધામ, અભયારણ્યના નામે પ્રકૃતિનો વિનાશ બંધ કરો, આદિવાસીઓના પાંચમી અનુસુચિના સંવેધાનિક અધિકારો સુનિશ્ચિત કરી પ્રકૃતિ અને આદિવાસીઓનું અસ્તિત્વ ટકાવી રાખો
(8) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, ભારત માલા જેવી યોજનાઓ રદ કરો.

આ મનાવ શૃંખલા મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાની મહામારીને પગલે તમામ આગેવાનોએ માસ્કનો ઉપયોગ કરી સામાજીક અંતર પણ જાળવ્યું હતું.