પંચમહાલ: વર્તમાન સમયમાં યુવાઓમાં પર્યાવરણને લઈને પોઝિટીવ વ્યૂહ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ પંચમહાલમાં સરકારી વિનયન કોલેજ શહેરાના ગ્રીન એન્ડ કલીન કેમ્પસ ક્લબ અંતર્ગત ધ્વનિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે કોલેજના ગ્રીન એન્ડ ક્લીન કેમ્પસ તથા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર અને ધ્વનિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ લુણાવાડા ના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોલેજ કેમ્પસમાં “ઔષધીય વન”બનાવવાના હેતુથી ભારત સરકાર ના નેશનલ કેમ્પેઇન એવા “આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગ” નિમિત્તે આજે કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. વિપુલ ભાવસાર તથા સિનિયર અધ્યાપક ડો. ડી. આર.માછી સાહેબ દ્વારા મંત્રોચ્ચાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સરકારી વિનયન કોલેજ શહેરાના પ્રિન્સીપાલશ્રી જણાવ્યું કે આ “ઔષધીય વન” ને “શ્રી ઝવેરચંદ મેઘાણી વન” એવું નામાભિધાન કરવામાં આવશે. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ ગણ, એન. એસ. એસ અને એન. સી. સી. તથા કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ક્લબના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.