ધરમપુર: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલા ડુંગરોની વરસાદી વાતાવરણમાં પ્રાકૃતિક સોંદર્યતા સૌળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એને માણ્યા આનંદ જીવનમાં તૃપ્તિનો અહેસાહ કરાવતો હોય છે આવું જ કઈંક સોંદર્ય વેરાયું છે ધરમપુરના દહીંગઢ ! પર્યટકો માટેનું કુદરતી સોંદર્ય માનવાનું નવું સ્થળ અને નવું નજરાણું એટલે દહીંગઢમાં હિલ સ્ટેશન.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડના ધરમપુર તાલુકાથી 5 કિલોમીટરના અંતરે આવેલ આંબા તલાટ ગામમાં આવેલ દહીગઢ નામનો ડુંગર આજે આસપાસના પ્રકૃતિના ચાહનારા અને આસપાસના ગામના, તાલુકાઓના અને જિલ્લાઓના પર્યટકો માટે હિલ સ્ટેશન બન્યું છે. આ ઉભરતાં હિલ સ્ટેશન પર સવારના સમયે ઉગતા સુરજ અને સાંજના સમયે આથમતા સુરજનો નજારો મનમોહક અને અદભૂત હોય છે.

હાલમાં તો વરસાદી વાતાવરણ વચ્ચે આ હિલ સ્ટેશન પર ફેલાયેલી વનરાજી અને વરસાદમાં ડુંગરને ફરતે ઉગી નીકળેલું  લીલું ઘાસ જાણે ડુંગરે લીલી સાડી પહેરી લીધી હોય એવો ભાસ થયા વગર રહેતો નથી આ ડુંગર પરથી એક બાજુ ધરમપુર તો બીજી તરફ વાંસદા તેમજ ખેરગામનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. જો ફેમિલી અથવા મિત્રો સાથે હિલ સ્ટેશન ફરવાનું આયોજન કરી રહ્યા છો તો એકવાર જરૂર આ સ્થળની મુલાકાત તો બનતી હૈ બોસ..