કોરોના મહામારીના સમયે બંધ થયેલ નેરોગેજ ટ્રેન જે બાપુ ની ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓને શહેર સાથે જોડે છે ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ પડેલી નેરોગેજ ટ્રેનને જન્માષ્ટમીના  દિવસે રાજ્ય રેલ્વે મંત્રી દર્શના જરદોશે શરૂ કરવા પોતાના સોશિયલ મીડિયામાં ટ્વિટ કરી જાહેરાત કરી છે.

અંગ્રેજોના સમયે ચાલુ કરેલ ટ્રેન જંગલ માંથી લાકડા લઇ જવા માટે બનાવી હતી પરંતુ સમયની સાથે ટ્રેન આદિવાસીઓ માટે જીવાદોરી સમાન બની ગઈ હતી, રેલવે વિભાગ દ્વારા ખોટનું કારણ આગળ ધરીને એકાએક બંધ કરી દેતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

આદિવાસી સમાજ અને ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અનેક રજૂઆત અને ઉપવાસ આંદોલન કરી વિરોધ કરીને આ ટ્રેન શરૂ થાય તે માટેના પ્રયાસો કર્યા હતા. લગભગ ચાર માસ અગાઉ વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ દ્વારા બીલીમોરાથી વઘઇ સુધી એક એસી કોચનું ટ્રાયલ રન પણ કર્યું હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી સુરતના સાંસદ દર્શના જરદોશને રેલવેના રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી મળતા ત્વરિત નેરોગેજ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાહેરાત થી આનંદના પ્રસર્યો છે.

દર્શના જરાડોશે ટ્વિટ કરી કહ્યું છે કે, ગુજરાતના ડાંગ જિલ્લામાં કોરોના ને પગલે લાંબા સમયથી બંધ ટ્રેન વ્યવહાર ને કારણે આદિવાસી વિસ્તારના લોકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી જેની મેં નોંધ લીધી હતી. આદિવાસી સમુદાય સ્થાનિક લોકો અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખી વઘઈ – બીલીમોરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ૪ સપ્ટેમ્બર ૨૦૨૧ શનિવારથી પુનઃ શરૂ થશે.