ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા તાલુકા ની વિધવા, દિવ્યાંગ, અંધ તેમજ આર્થિક નબળી પરિસ્થિતિને કારણે જે માતાઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન ધાર્મિક યાત્રા ન કરી શક્યા હોય તેવી માતાઓને શ્રાવણના પવિત્ર માસમાં ધાર્મિક પ્રવાસ કરાવવાના ઉચ્ચ હેતુ સાથે 20 ઓગસ્ટને રવિવારે એક દિવસીય નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસ “માઁ સેવા યાત્રા“નું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં યુવા સંગઠનના સભ્યો દ્વારા જન સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા ઉમરગામ તાલુકાના અંતિયાળ ગામડાઓની વિધવા, નિઃસહાય તેમજ દિવ્યાંગ માતાઓને બરૂમાળ, ઉનાઈ, અનાવલ, અંધેશ્વર, સોમનાથ જેવાં વિવિધ ધાર્મિક તીર્થ સ્થાનોની નિઃશુલ્ક યાત્રા કરાવી હતી.અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા ધણાં વર્ષૉથી ઉમરગામ તાલુકા યુવા સંગઠનના યુવાનો દ્વારા જે રીતે શિક્ષણ, આરોગ્ય, રમતગમત, પયૉવરણ અને સામાજિક ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઇ રહી છે તે આજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉમરગામ તાલુકા યુવા સંગઠનના પ્રમુખ રાહુલ ભંડારી, જયેશ ભંડારી, હેમલ માછી, પ્રકાશ માછી, પ્રજ્ઞેશ ભંડારી, પંકજ સીંગ, કિશોર પાટીલ, અમિત ઈન્દુલકર, ભૌતિકભાઇ, ઈલેશભાઈ, શિવાંગ ભંડારીએ ભારી જહેમત ઉઠાવી યાત્રા સફળતા પૂર્વક પાર પાડી હતી.