તાપી જિલ્લા ખાતે બીટીપી અને કોંગ્રેસ છોડી ૨૦૦ થી વધુ કાર્યકર્તા, આગેવાનોએ ભાજપામાં કેસરિયો પહેર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકાસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં વિશ્વાસ રાખી ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શ્યામાપ્રસાદ હોલમાં રાખવામાં આવ્યો હતો ત્યાં આજે મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ૨૦૦ થી વધુ લોકોએ કેસરીયો ધારણ કર્યો હતો.

જેમાં તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી જગદીશ પટેલ, ચિખલદા સરપંચ વીણાબેન ગામીત કપુરા સરપંચ કિશોર ગામીત, છીરમા સરપંચ દિનેશ ચૌધરી, ભોજપુર નજીક શિતલભાઇ કોંકણી, માજી કોર્પોરેટર વ્યારા નગરપાલિકા સુનિતાબેન ઢોડીયા, તાપી જિલ્લા ભિલિસ્તાન ટાઈગર સેના પ્રમુખ આકાશ ગામીત, વાલોડ તાલુકા ભિલિસ્તાન ટાઈગર સેના જીગર ગામીત, ડોલવણ તાલુકા ભિલિસ્તાન ટાઈગર સેના પ્રમુખ સંદીપ ચૌધરી, વાલોડ તાલુકા ભિલિસ્તાન ટાઇગર સેના યુવા પ્રમુખ અમિત ગામિત સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રી ગણપત વસાવા જણાવ્યુ હતુ કે આદિવાસી સમાજના વિકાસના ઉત્થાનના કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આદિવાસી સમાજને ફાળવી છે. તદુપરાંત આવનાર વનબંધુ કલ્યાણ યોજનાનાં ફેસ- ૨ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકામાં સિંચાઇની યોજના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

ભાજપાનાં આદિવાસી આગેવાન ધવલ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે નિઝર ધારાસભ્ય સુનિલ ગામીત ભ્રષ્ટાચાર બાબતે જે વાતો કરે છે તે તદ્દન ખોખલી વાતો છે કારણ કે છેલ્લા ૭૫ વર્ષથી તાપી જિલ્લામાં તમામ સત્તાઓ કોંગ્રેસના હાથમાં હતી, તો સમગ્ર ભ્રષ્ટાચાર પણ કોંગ્રેસના નેતાઓ જ દ્વારા કરવામાં આવ્યા.