ચીખલી: બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં બે આદિવાસી યુવકોના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં આરોપી પોલીસ કર્મીઓ અજીતસિંહ વાળા અને પોલીસકર્મી રામજીએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી આગોતરા જામીન માટે હવાતિયાં મારી રહ્યા છે.

Decision news પાસે જ ઉપલબ્ધ માહિતી અનુસાર અગાઉ પીઆઈ અજીતસિંહ વાળાએ,  અને પોલીસકર્મી રામજીએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાય તે પહેલા જ તમામ પોલીસ કર્મીઓએ પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. આ જામીન અરજી પાછી ખેંચી લીધા બાદ પીઆઈ અજીતસિંહ વાળા એ પોતાના વકીલ મારફતે ફરી એકવાર આગોતરા જામીન માટેની અરજી મૂકી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. જ્યારે તેના સાથી કર્મચારી અને આ ઘટનાના મુખ્ય જવાબદાર એવા હેકો શકિતસિંહ ઝાલા આગામી તારીખ 23મી ઓગસ્ટે સોમવારે પોતાના આગોતરા જામીન અરજી મૂકનાર હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે

ઉલ્લેખનીય છે કે આદિવાસી યુવકોના મોત ને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં નવસારી જિલ્લાની પોલીસ યુવકોના મૃત્યુ માટે જવાબદાર આરોપી પોલીસ કર્મીઓની ધરપકડ કરી શકી નથી. અથવા તો જાણી જોઈને આરોપી પોલીસ કર્મીઓને ધરપકડ ન કરીને આગોતરા જામીન મળે તે માટે સમય પસાર કરી રહી હોવાની ચર્ચા આદિવાસી પટ્ટીમાં ચાલી રહી છે.