સ્ટેચુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોઠી ગામના આશિષ તડવીને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ 4 જિલ્લામાંથી તડીપારનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે અવાર નવાર ઘર્ષણ ના બનાવ બન્યા છે સ્થાનીક લોકો પોતાની જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે.
સ્ટેચુ ઓફ યુનિટી વિસ્તારના છ ગામ કેવડીયા, ગોળા, લીમડી, નવાગામ, વાગડિયા કોઠી ગામના આદિવાસી ગ્રામજનોની સરકાર સામે લાંબા સમય થી લડત ચાલી રહી છે અને છ ગામ અસરગ્રસ્તોની આ લડતને દબાવવા આદિવાસી આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસ કરી કાયવાહી કરે છે, જેથી લોકો વિરોધ ન કરે.
ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોઠી ગામના યુવા જેઓ લોકોને કાયદાકિય, અને આદિવાસીઓના અધિકાર અનુસૂચિ 5 વગેરેની માહિતી આપી જાગૃત કરતા અને સ્થાનીક લોકો માટે લડત લડતા યુવા અગ્રણી આશિષ તડવી (શિક્ષક)ને નર્મદા ઉપરાંત ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લા માંથી તડીપાર કરવાનો તંત્ર એ હુકમ કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આશિષ તડવી શિક્ષક હતા તેઓ એકલવ્ય શાળામાં ભણાવતા હતા તેઓ પર કોઈ ગુનાહિત કેસ માટે નહીં પરંતુ સરકારી કામમાં રૃકાવટ જેવા મામલે તડીપાર કરાયો છે આ જ મુદ્દે આદિવાસી સમાજના લોકોએ પણ આ કાર્યવાહીનો વિરોધ કરી લેખિતમાં આવેદનપત્ર આપ્યા હતા. આશિષ તડવીની સારી ચાલ ચલગતના પ્રમાણપત્રો આપી સમર્થન આપ્યું હતું.
સ્થાનીક લોકોનું કહેવું છે કે તડીપારનો હુકમ લોકશાહીને દબાવવાનો પ્રયાસ અને એક્ટિવિસ્ટ પર થતો અન્યાય છે. લોકો માટે લડતા વ્યક્તિનો અવાજ દાબી શકાય નહીં. વધુમાં જણાવ્યું હતું કે, કેવડીયા વિસ્તારનાં લોકો માટે લડત લડતા આગેવાનોને સરકાર ખોટા કેસ કરી કાર્યવાહી કરે છે. લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરે છે જેનો અમે વિરોધ કરીએ છીએ.
ગ્રામજનોનું કહેવું છે કે, અગાવ પણ સામાજિક કાર્યકર્તા, આગેવાનો પર ખોટા કેસ કરી તડીપાર કર્યાં છે અને કેવડીયા વિસ્તારનાં આદિવાસીઓની સમસ્યા, જમીન સંપાદન મુદ્દે રિપોર્ટિંગ કરતા પત્રકારોને પણ રોકવામાં આવ્યા છે. એ યોગ્ય નથી આઝાદ ભારતમાં આદિવાસીઓના અધીકાર માટે લડત લડતા આગેવાનો, સામાજિક કાર્યકર્તા પર ખોટા કેસ કરવાએ તો અંગ્રેજ સરકાર કરતી હતી લોકશાહીમાં આવા બનાવ નિંદનીય છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.