વાંસદા: ડો. વિજય પટેલ અને ચોકબોલ અને પ્લેયર ક્રિકેટ એસોસિએશન વાંસદા દ્વારા સ્વતંત્રતા દિવસના અવસર પર આઝાદીનો અમૃત મહોત્સવ પર ભારત વર્ષમાં પહેલીવાર આદિવાસી વિસ્તારમાં અલ્ટ્રા દોડ 115 કિલોમીટરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ પ્રતિયોગિતામાં આહવા, ડાંગ, વલસાડ, વાપી, સુરત,અને નવસારી જિલ્લાના દોડવીરોને ભાગ લીધો હતો. જેમાં 78 છોકરા અને 25 છોકરીએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના સુબીરના દોડવીર અજય ઠાકોરે 9 કલાક 54 મિનિટમાં દોડ પૂરી કરી અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. નવસારીના નિલેશ ભગરિયા દ્વિતીય ક્રમે આવ્યો હતો. પ્રતિયોગિતામાં ભાગ લેનારા તમામ દોડવીરોએ એમનું કૌશલ્ય શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ પ્રતિયોગીતા પ્રારંભ ગાંધી મેદાનથી સવારે 5:35થી કરાયો હતો. આ દોડ વાંસદાના ગાંધી મેદાન, ચીખલી, ખેરગામ, ધરમપુર, ખાનપુર, પીપલખેડ, ઉમરકૂઈ, ગંગપુરથી વાંસદા સુધી હતી. લોકોએ દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. ધરમપુરના ભાજપનાં કાર્યકર્તાઓએ દોડવીરોનું પુષ્પથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, પ્રભાકર યાદવ, આદિવાસી મોરચાના મંત્રી ગણેશ બિરારી હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાનપદે નરેશ તુમડા, પૂર્વ સૈનિક શંકરભાઈ ગવળી, ધરમપુર તાલુકા ભાજપના પ્રમુખ કેતનભાઈ વાડુએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આમ ડો. વિજય પટેલ દ્વારા એક મોટો ભગીરથ પ્રયાસથી 115 કિલોમીટર દોડનું આયોજન કરી વાંસદા તાલુકાનું નામ ગુજરાતમાં ગૂંજતુ કર્યું છે.