પેગાસસ જાસૂસી વિવાદ ભારત જ નહિ વિદેશમાં પણ આ મુદ્દે ચર્ચા અને વિરોધ થઇ રહ્યો છે ભારતમાં સંસદથી રસ્તા સુધી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે તે મુદ્દે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અરજદારોની દલીલો સાંભળ્યા પછી કહ્યું કે આ રિપોર્ટ સાચા હોય તો આ આરોપો ખૂબ જ ગંભીર છે. બીજી બાજુ કપિલ સિબલે પણ આ બાબતને ગંભીર ગણાવતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવા મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી હતી.
સુપ્રીમ કોર્ટે હાલ આ મુદ્દે સુનાવણી મંગળવાર પર મુલતવી રાખી છે. પેગાસસ જાસૂસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ છે, જેમાં પેગાસસ જાસૂસી કાંડની સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ એસઆઈટી તપાસની માગણી કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં નેતાઓ, એક્ટિવિસ્ટ, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન. રામ તથા શશિ કુમાર દ્વારા અરજીઓ દાખલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે બધા જ અરજદારોને તેમની અરજીઓની નકલ કેન્દ્રને આપવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજદાર પત્રકારો તરફથી હાજર થતાં વરિષ્ઠ વકીલ અરવિંદ દત્તરે કહ્યું કે સંપૂર્ણ અને વ્યક્તિગત પ્રાઈવસીના સંદર્ભમાં નાગરિકોની પ્રાઈવસી અંગે વિચાર કરવો જોઈએ. અન્ય એક અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કહ્યું કે વર્તમાન કેસની ભયાનક્તા ઘણી મોટી છે અને આ કેસની સ્વતંત્ર તપાસ પર વિચાર કરવો જોઈએ.
કપિલ સિબલે કહ્યું કે, આ સ્પાયવેર માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવે છે. એનએસઓ કંપની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આવે છે. પેગાસસ એક એવી દુષ્ટ અથવા કપટી ટેકનિક છે, જે આપણી માહિતી વિના આપણા જીવનમાં પ્રવેશ કરે છે, જે આપણા લોકતંત્રની નિજતા, ગૌરવ અને મૂલ્યો પર હુમલો છે.
પત્રકાર પ્રાંજય ગુહા ઠકુરાતે દાખલ કરેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરાઈ છે કે તે આ વિવાદ અંગેની તપાસ સંબંધિત બધી જ માહિતી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપે. તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે પેગાસસની હાજરી ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અત્યંત પ્રતિકૂળ અસર કરશે. તેમણે ન્યાયતંત્રને સ્પાયવેર અથવા માલવેરના ઉપયોગને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરવા વિનંતી કરી છે. પેગાસસના સંભવિત ટાર્ગેટ્સમાં પત્રકાર ઠકુરાતનું પણ નામ સામેલ છે. એક પીઆઈએલમાં જણાવાયું છે કે આ મિલિટ્રી સ્પાયવેર છે અને તેનો સામાન્ય નાગરિકો પર ઉપયોગ સ્વીકારી શકાય તેમ નથી.