ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની પોલીસ પરથી ડાંગના દીકરાઓની કસ્ટોડીયલ મોત લઈને આક્રોશ થયો નથી ત્યાં જ તલાવચોરા કાવેરી નદીના જુના લો-લેવલ બ્રિજ પર દારૂના જથ્થાનો નાશ કરતા સ્થાનિકો ખુબ જ ગુસ્સામાં સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Decision Newsને મળતી માહિતી મુજબ હાલમાં જ ચીખલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં કબજે કરાયેલ વિદેશી દારૂના જથ્થો સવારે કાવેરી નદીના તલાવચોરા સ્થિત જુના લો લેવલ બ્રિજ પર રોલર ચલાવી અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કર્યો હતો. જ્યાં લોકો હરવા ફરવા જતા હોય બોટલના કાચ વાગી જવાનો ડર જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વરસાદી પાણી સાથે બોટલના કાચનો જથ્થો વેરવિખેર થતા નદીમાં જતા પાણીમાં રહેલ જીવસુષ્ટિને નુકસાન થશે.

સ્થાનિક રહેવાસી કુંજનભાઈનું કહેવું છે કે અહી અંતિમધામ પણ હોવાથી અંતિમયાત્રામાં જોડાયેલા લોકો નાહવા, હાથ-પગ ધોવા માટે આ સ્થળનો ઉપયોગ કરતાં હોય છે આ સિવાય પશુઓ પણ પાણી પીવા માટે આવતા હોય છે. હવે આવનાર દિવસોમાં ગણેશ મહોત્સવ આવતો હોય ત્યારે આ સ્થળે નદીમાં શ્રીજીની પ્રતિમાનું પણ વિસર્જન કરવા લોકો અહી ભેગા થશે ત્યારે પોલીસના આ કાર્યથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યા છે. આ બાબતે ચીખલીના PI પી.જી. ચૌધરી જણાવે છે કે અધિકારીઓની ઉપસ્થિતિમાં જુના પુલ પર દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. જેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવેલી છે. કાચનો જથ્થો ભંગારવાળા લઈ ગયા છે.