વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સ્થાનિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે જેને લઈને સ્થાનીકોમાં વિદ્યાર્થીઓને પગલાં લેવાશેની આશા જીવંત બની છે.

અનંત પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતના નવું સત્ર 7મી જૂન 2021થી શરૂ થયેલ છે. કોરોનાની મહામારીના સમયથી શાળાઓ બંધ હતી. નવસારી જિલ્લાના વિવિધ આદિવાસી વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા સારી નહીં હોવાને કારણે બાળકોના ઓનલાઈન વર્ગો લેવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે. વાંસદા, ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકાના ઘણાં ખરા વિસ્તારોમાં વાલીઓ સારા એન્ડ્રોઈડ ફોન લઈ શકતા નથી. જેથી વાલીઓના ફોનમાં સ્ટોરેજની સમસ્યા ઉભી થાય છે. વળી ઓનલાઈન વર્ગ લેવામાં 30 મિનિટ વર્ગમાં 500-700 એમ.બી.નો ડેટા વપરાઈ જતો હોય છે અને ફોન ગરમ પણ થતા હોય છે.

આ વર્ષે શાળા શરૂ કરવાના 58 દિવસ થઈ ગયા તેમ છતાં ધોરણ-7 અને 8ના નવસારી જિલ્લામાં પાઠયપુસ્તકો મળતા નથી અને ડાંગ જિલ્લામાં ધોરણ-1 થી 6ના પાઠ્યપુસ્તકો મળ્યાં નથી. આવા સંજોગોમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરવામાં આવે નહિ તો પરિણામ ઉલટું મળશે એ નક્કી છે.