પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. એટલે આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આજે સવારે 8 કલાકથી બોર્ડની સાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી આપશે. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર બોલાવીને આપશે.

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગ્રેડ વાર સંખ્યા જોઈએ તો A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ઉલ્લેખીય છે કે, પરિણામ બનાવવા માટે ધોરણ 10ના પરિણામના 50 %, 11 માના પરિણામના 25 % અને ધોરણ 12માં એકમ કસોટીના 25% માર્ક લેવાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થીઓ અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. જે અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.