ઉમરગામ: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિય ડેથનો મામલાનો આક્રોશ લોકોમાં સમ્યો નથી ત્યાં જ વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપમાં પકડી લાવેલા યુવાને પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં પોલીસ પ્રત્યે ગુસ્સાનું વાતાવરણ ગરમાયું જોવા મળી રહ્યું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ વલસાડ LCBની ટીમે શંકાના આધારે એક ઇકો કારને અટકાવવાનો ઈશારો કરતા ઇકો કારમાંથી 9 ઈસમો ભાગી છૂટ્યા હતા. જેમાંથી 2 આરોપીઓને LCBની ટીમે પકડીને બંને આરોપીઓને મરીન પોલીસ મથકે લાવી પ્રાથમિક પૂછપરછ લાવવામાં આવ્યા હતા ત્યારે બે પૈકીના નીતિન રમેશભાઈ ઉરડે નામના શખ્સે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પેન્ટ કાઢી બારીના ગ્રીલ સાથે બાંધીને સવારે પોણા છ વાગે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓનું કહેવું છે
આ ઘટનાની જાણ થતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.FSL, LCB, SOG, DYSP સહિતની ટીમે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ લાશને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચીખલી પોલીસ સ્ટેશનમાં ગત 21મી તારીખે રવિ જાદવ અને સુનિલ યાદવ નામના બે શકમંદ આરોપીઓના પોલીસ સ્ટેશનમાં જ શંકાસ્પદ હાલતમાં મોત થયાના બનાવ બાદ હવે ઉમરગામના મરીન પોલીસ મથકે ચોરી લુંટની પ્રાથમિક પૂછપરછ લાવવામાં આવેલ યુવાનનું બાથરૂમમાં આપઘાત કરવું એ બનાવને પણ લોકો શંકાસ્પદ મોત ગણાવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં એક પછી એક ચોરી-લુંટની પ્રાથમિક તપાસ માટે લાવવામાં આવતા યુવાનો આપઘાત કરી લેવાના શંકાસ્પદ કિસ્સા બનતા પોલીસતંત્ર વિરુદ્ધ લોકોમાં ગુસ્સો દેખાય રહ્યો છે.