નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પાંચ જેટલી વર્ગશાળા બંધ (મર્જ) કરવાની હિલચાલ કરવામાં આવતાં ગંગપુર ગામે વાલી મીટિંગ કરવામાં આવી હતી. એવી જ રીતે દોલધા અને રાજપોરમાં પણ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષસ્થાને વાલીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે વાંસદા તાલુકા તેમજ સમગ્ર આદિવાસી વિસ્તારની વર્ગશાળા મર્જ કરવાને બહાને બંધ કરીને જો ખાનગી શાળાને પ્રોત્સાહન આપશે તો આવનારા દિવસોમાં વાલીઓ સાથે મોટું જનઆંદોલન ઊભું કરવામાં આવશે આ આંદોલન માત્ર વાંસદા પુરતું નહિ સમગ્ર આદિવાસી વિસ્તારના નેતાઓ આગેવાન આ આંદોલનમાં જોડાશે.
ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારની 6000 જેટલી વર્ગશાળાઓ બંધ કરવાની હિલચાલના નિર્ણયમાં વાંસદા તાલુકાની ગંગપુર, રાજપોર અને દોલધા બંધ થનાર છે. એવી ગ્રામજનોને ખબર પડતાંની સાથે જ ગ્રામજનો અને વર્ગશાળામાં ભણવા જતા બાળકોના વાલીઓ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં શાળાઓ બંધ ન થાય તે માટે આગળની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
દોલધાના વાલી મંડળના કહેવું છે કે વર્ગશાળાઓ બંધ કરવામાં આવશે તો મુખ્ય શાળામાં જવું પડશે જે વર્ગશાળા થી અઢી કિલોમીટર દૂર છે. આ મુખ્ય શાળા ચીખલી- વઘઈ ધોરીમાર્ગ પર આવેલી છે તો 1 થી 5 ધોરણના બાળકોને જવા આવવા માટે ખુબજ તકલીફ પડશે તેમજ અકસ્માત થવાનો ભય વાલીઓને સતાવી રહ્યો છે.
આ વર્ગ શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વર્ગશાળામાં જતાં બાળકોના વાલીઓ મંજુરી કામ કરીને જીવન નિર્વાહ ચલાવે છે. વાલીઓનું કહેવું છે રોજી રોટી માટે કામ અર્થે જવું પડે છે કામ પર જશું તો બાળકોને મુકવા લઈ જવા સમય કાઢી શકે એમ નથી તથા આ ગામની વર્ગશાળા બંધ કરવામાં આવશે તો ડ્રોપ આઉટ રેશિયો વધશે તેવી ચિંતા સતાવી રહી છે, જો આદિવાસી વિસ્તારની શાળા બંધ કરશે તો આવનારા સમયમાં બાળકોનું ભાવિ અંધકારમય બનશે એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
by મનિષ ધોડિયા











