ખેરગામ: નવસારી જિલ્લામાં રોડ અકસ્માતોના કિસ્સાઓના આંકડાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આજરોજ લગભગ 4:15 કલાકે ખેરગામ તાલુકાના પાણીખડક ગામના ચાર રસ્તા પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision Newsને ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ જગદીશ પટેલ પરથી માહિતી મળ્યા અનુસાર આજરોજ 4:15 વાગ્યાની આસપાસ GJ-21-BL-6356 નંબરની બાઈક અને DD-01-A-9008 નંબરના ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત થતાં બાઈક સવારનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક ત્યાંથી મોકો મળતા જ રફુચક્કર થઇ ગયો હતો. બાઈક ચાલક નાંધાઈ ગામના પેલાડ ભૈરવીના કરશનભાઈ પટેલ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પોહચી હતી અને મૃતદેહને કબજામાં લઇ પીએમ માટે ખેરગામ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના સ્થળ પરથી મળેલી તાજા જાણકારી અનુસાર આ જીવલેણ અકસ્માતમાં ડમ્પર ચાલકની શોધખોળ ખેરગામ પોલીસ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે આ ઘટનાની જાણ પરિવારને થતાં જ પરિવાર અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

