વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોની ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ થઇ હતી તે મામલે કુલ ચાર પોલીસકર્મીને ગતરોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એક PI, એક PSI અને 2 પોલીસકર્મીના નામોનો સમાવેશ થયો છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે માનવતાને કલંક લગાડતી અને પોલીસના અમાનુષી વર્તનનું ઉદાહરણ આપતી બે આદિવાસી યુવાનોની શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથના મામલામાં ગઈકાલે ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એમ.બી.કોકણી હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રામજી યાદવ અને ચીખલીના પોલીસ ઇન્સ્પેકટર અજિતસિંહ વાળાને વિવાદ વધતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હાલમાં ગતરોજ તાત્કાલિક ધોરણે જલાલપોરથી PI પી.જી.ચૌધરીને ચીખલી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કે કોઈ કાર્યવાહી હજુ સુધી ન થતાં આદિવાસી સમાજમાં આક્રોશ દેખાય રહ્યો છે. માત્ર ઓપચારિકતા ખાતર થયેલી ફરજ મોકૂફીના હુકમ સામે આગામી સમયમાં આદિવાસી સમાજમાં પોલીસ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન થાય એવા એંધાણ દેખાય રહ્યા છે.