ડાંગ: દક્ષીણ ગુજરાતના જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મન મૂકી વરસતા વરસાદના કારણે જયાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ડાંગમાં વહેતી નદીઓમાં લોકોમાં લોકમાતા મનાતી અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા અધધ પાણીનાં પ્રવાહ સાથે બન્ને કાંઠે વહેતો જોવા મળે છે. ત્યારે આ ભારે પ્રવાહમાં ગતરોજ ડાંગના સૂપદહાડ કોઝવે કમ પુલ પરથી બાઈકસવાર બે તણાયા, 1નું મોત તો 1નો બચાવ થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગમાં ગતરોજ ખેડા જિલ્લાના ફૂલસ્ત્રપુરાથી મહેન્દ્રભાઈ શકરાભાઈ શેનવા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના મોટાબરડા ગામમાં મહેમાન બની આવ્યા હતા. બુધવારે પ્રકાશકુમાર શેનવા પોતાના કાકા મહેન્દ્રભાઈ શેનવાને GJ-15-SS-0655 નંબર બાઈક પર બેસાડી બરડા-સૂપદહાડ થઈ બારીપાડા સ્ટેશને જવા નીકળ્યાં તે વખતે પાણીમાં ગરક સૂપદહાડનો કોઝવેકમ પુલ પરથી તેઓ બાઈક પર પસાર થઈ રહ્યા હતા અને આ કોઝવેકમ પુલ ઉપર અચાનક ઉપરવાસનો પાણીની પ્રવાહ વધી જતા ઘટનાસ્થળે બાઈક સહિત મહેન્દ્રભાઈ અને પ્રકાશભાઈ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.

આ ઘટના બનતા આસપાસ બૂમાબૂમ થઇ જતાં ગામવાસીઓ દોડી આવ્યાં તણાયેલા પ્રકાશભાઈ શેનવા નદીમાં પથ્થરને પકડીને બહાર નીકળતા તેઓનો બચાવ થયો હતો. જ્યારે મહેન્દ્રભાઈ શેનવાનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં લાશનો કબજો લઇ PM માટે શામગહાન CHCમાં ખસેડવામાં આવી હતી. હાલમાં ઘટના વિષે પોલીસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.