ડાંગ: વરસાદ મોસમમાં અકસ્માતની લાઈન લાગી હોય તેમ આજરોજ ફરી એકવાર ડાંગ જિલ્લાના ટાંકલીપાડા દબાસ માર્ગમાં ટ્રેકટર પલ્ટી મારી જતા ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં ચાલક ટ્રેકટરના નીચે દબાઈ જતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજયાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ટાંકલીપાડાથી શામગહાનને જોડતા આંતરીક માર્ગ ટાંકલીપાડા દબાસ માર્ગ પરથી ઉમરપાડાના ૨૫ વર્ષીય આશિષભાઈ રામુભાઈ વાઘમારે ટ્રેકટર લઈને ખેડાણ માટે મોટીદબાસ ગામ જઈ રહયો હતો ત્યારે વળાંકમાં સામેથી મોટરસાઈકલ ચાલક આવી જતા અહી માર્ગ સાંકડો હોવાથી તેમણે ટ્રેકટરને માર્ગની સાઈડમાં લેવાની કોશિશ કરી જેના કારણે તેમણે ટ્રેકટર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ જીવલેણ અકસ્માત ઘટના બનવા પામી હતી.

આ અકસ્માત સ્થળે ગામના અને મુસાફરોના ટોળા એકઠા થઇ ગયા હતા. એવા ખબર મળી રહ્યા છે કે આ બનાવ બાબતે મૃતક યુવાનનાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દેતા કોઈ કેસ હાલમાં નોંધાયો નથી