વડોદરા: આજના સમયે પણ સમાજમાં રીત-રીવાજો અને નીતિ નીતિ-નિયમો અને પરંપરા એક જીવ કરતાં વધારે મહત્વ ધરાવતી હોય એવું લાગે છે. ગતરોજ સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમી પંખીડાએ રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી નહિં આપે એવા ભયથી પ્રેમિ-પંખીડાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મોક્સી ગામમાં રહેતા 21 વર્ષિય હરીશ બુધાભાઇ ચાવડા અને સીમાબહેન બળવંતભાઇ ચાવડાએ મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે દોડકા ગામના લોકોએ ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર પ્રેમી પંખીડા ફાંસો ખાધેલી હાલતમાં જોતા સૌ અચંબામાં પડી ગયા હતા. ઘટના જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી લાશનો કબજો લઇ વધુ તપાસ શરુ કરી દીધી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે મોક્સી ગામમાં રહેતા હરીશ ચાવડા અને સીમા ચાવડા બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ હતો. તેઓ લગ્ન બંધન સાથે પણ જોડાવવા માંગતા હતા પણ તેમને ભય હતો કે જ્ઞાતિ એક હોવાના કારણે બંને પરિવારો લગ્નની મંજૂરી ક્યારેય નહિ આપે. આ ભયના લીધે તેમણે આપઘાત કરી લીધો હતો.