આજીલો સમગ્ર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના ગામડાના આદિવાસીઓ ખાનપાનમાં ખાસ વૈવિધ્ય ધરાવે છે. સ્થાનિક ભાષામાં આજીલા તરીકે ઓળખાતા છોડના પાંદડા સાથે મરચું અને મીઠું સરસ રીતે ખાંડણી મા વાટી નાખી જે તૈયાર થાય છે એ આજીલાની લાજવાબ ચટણીનું તો શું કહેવું..

વર્તમાન સમયમાં લોકો પરંપરાગત ખાનપાન છોડીને આજના ફાસ્ટફૂડના જમાનામાં તૈયાર સોસ અને મલ્ટિનેશનલ કંપનીના પેકિંગ અથાણાનો લોકો મહત્તમ ઉપયોગ કરવા લાગ્યા છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓએ પોતાના વારસા રૂપે રસોડાની આ સ્વાદિષ્ટ ચટણીનો બેમિસાલ સ્વાદ આજે પણ બરકરાર રાખ્યો છે. આદિવાસીઓમાં ઢોડીયા, નાયકા, હળપતિ, કુકણા, ચૌધરી જેવા સમુદાયોમાં દહીં, છાશ, પેજવુ, દાળ ભાત, ડુંગળી ,ટામેટા, કાચી કેરી, દેશી કાકડી વગેરેના કચુંબરમાં આજીલાની ચટણી ખવાઈ છે આ ચટણી સાથે કોઈપણ જમવાનું સ્વાદિષ્ટની સાથે સુગંધિત બનાવી દે છે. આજીલા પર આવતા સહેજ મોટા સફેદ રંગના પુષ્પો અને તેના બીજ જોવા મળે છે તેને ગુજરાતી ભાષામાં “તકમરીયા” કહેવામાં આવે છે. જે સિકંજી બનાવવાના ઉપયોગમાં લેવાય છે.

ચોમાસાના વરસાદમાં બીજ પડયા હોય ત્યાં આપમેળે જ ઊગી નીકળતા આજીલો ઔષધીય ગુણો પણ ધરાવે છે. આદિવાસી વડીલો શરદી કે તાવ આવે ત્યારે તેને દૂર કરવા ખાટી આમલી અને આજીલાની તીખી ચટણીનો ઉકાળો પીતા હતા બીમારીમાં મોં બગાડયુ હોય એવા સમયે પેજવુ અને આજીલાની ચટણી ઉત્તમ વિકલ્પ બને છે. માણસ બીમાર પડે તો બીજું કંઇ ન ભાવે પરંતુ આજીલાની ચટણી મો સુધારે એની પાક્કી સો ટકા ગેરંટી. દિવસભર ખેતીકામ કરીને થાકેલ આદિવાસી ખેડુત જ્યારે જમવામાં આજીલાની ચટણીનો ઉપયોગ કરીને ફરીથી તાજગી અનુભવે છે. આજીલાની ચટણી ક્યાંય હોટેલમાં નહીં મળે. આજીલો ગરીબ આદિવાસીઓના રસોડાનું ધરેણું સમાન છે. જુઓ આ વિડીયોમાં..

આદિવાસીઓને આજીલાની ચટણી એ ખુબ જ ઘેલું લગાડેલું છે. આજીલાની ચટણી કોઈપણ જાતના રોટલા કે રોટલીના શાક જોડે ખવાય છે. આ ખાનપાનની પરંપરા હજુ પણ આદિવાસી સમજ મા હજુ પણ બરકરાર છે. જો વાંસદા અને તેના આસપાસના ગામોના બજારોમાં આજીલાના પાન, બીજ અને છોડનુ વેચાણ કરવામાં આવે તો ગ્રામીણ આદિવાસીઓ માટે આજીવિકાનું સારુ માધ્યમ બને એવું છે. માત્ર પહેલ કરવાની જરૂરીયાત છે. આશા રાખીએ કે બજારમાં મળતી અન્ય ચટણીઓની જેમ આવનારા દિવસોમાં બજારમાં આજીલાની ચટણી પણ મળતી થાય.