ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરી ઉછેરેલું ડાંગરનું ધરું અસહ્ય તાપના કારણે મુરઝાય રહ્યું છે.ત્યારે ડાંગરના ધરુંને બચાવવા જગતનો તાત આજે ઝઝૂમી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળતી વિગતો પ્રમાણે ચીખલી તાલુકામાં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ એક સપ્તાહથી વરસાદ ખેંચાયાના કારણે વરસાદી ખેતી ઉપર નભતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં કેટલાંક ખેડૂતોએ નહેર, સિંચાઈ, કુવા, તળાવ, નદી-નાળા, બોર વાટે સિંચાઈનું પાણી ઉલેચી ડાંગરનું ધરૂ બચાવવાની તજવીજ હાથ ધરી છે. વરસાદી વાતાવરણની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા છે.

ચીખલી તાલુકામાં હાલ જેમની પાસે કૂવા, બોરિંગ, નદી નાળા, તળાવના પાણી પંપ જેવા સિંચાઈ સ્ત્રોતનો ઉપયોગ કરીને મારવાના વાંકે જીવતાં ધરુંને બચાવી લેવાની કવાયત હાથ ધરી છે. પુનઃ મેઘરાજાની સવારી માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. ડાંગરના ધરું તેમજ પાકને બચાવવા જગતનો તાત આજે ઘણી મુંઝવણ અનુભવી રહ્યો છે.