વાંસદા: વર્તમાન સમયમાં ચોમાસાં બેસવાના સાથે જ આદિવાસી વિસ્તારમાં વિવિધ જાતના કંદ-મૂળ અને અનેક જાતના જમીનમાંથી ઊગી નીકળતી ખાદ્ય વનસ્પતિઓનો આદિવાસી સમાજનાં લોકો લાહવો માનતા હોય છે તેમાંનું એક એટલે ‘ભોપીડ‘.
દક્ષિણ ગુજરાતના મોટાભાગના આદિવાસી વિસ્તારમાં ચોમાસાનાં પહેલાં વરસાદનાં ગાજવીજ સાથે ગાઢ જંગલો અને ઘાસનાં મેદાનોમાં આ ‘ભોપીડ’ નામની ખાદ્ય વનસ્પતિ ઊગી નીકળે છે. આ ભોપીડને “ભોય ભોપીડ” તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રદેશના મુખ્યત્વે આદિવાસી લોકો એનો ઉપયોગ ખાવામાં અને ઔષધિ તરીકે ઉપયોગમાં લેતા હોય છે.
વાંસદાના કિરણ પાડવી જણાવે છે કે આ ભોપીડ સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ભોપીડ મશરુમ જેવું જ હોય છે. જે આકારે ગોળ વર્તુળાકાર કે અર્ધ વર્તુળાકાર હોય છે. ભોપીડનો સ્વાદ ઈંડા જેવો જ હોય છે. આ ભોપીડ અનેક પ્રકારનાં રોગો સામે રક્ષણ આપે છે. તથા શરીરે ચાંદા પડે ત્યારે આ ભોપીડને સુકવીને લગાવવામાં આવે છે. આમ ઘણા આદિવાસી વડીલો આયુર્વેદિક ઔષધિ તરીકે સ્વીકારે છે

