ગુજરાત: આજથી ધોરણ 10 નુ પરિણામ તૈયાર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યભરની શાળાઓમાં ધોરણ 10ના પરિણામને લગતી મહત્વની કામગીરી હાથ ધરાશે. શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓના આચાર્યને વેબસાઈટ પર ધોરણ 10 ના માર્કસ અપલોડ કરવા સૂચના આપી છે.

Decision Newsને મળતી માહિતી પ્રમાણે આજે સવારે 11 વાગ્યાથી ધોરણ 10ના બાળકોના gseb.org અને sscmarks.gseb.org પર માર્ક વેબસાઈટ પર શાળાઓ અપલોડ કરવાના રહેશે. 17 જૂન સાંજે 5 વાગ્યા સુધી તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરી દેવાના રહેશે. પરીક્ષાર્થીઓના ગુણ, પરીક્ષાર્થીઓના નામ અને એપ્લિકેશન નંબરના આધારે તમામ વિગતો ભરવાની રહેશે.

શિક્ષણ વિભાગનું કહેવું છે કે જો કોઈ શિક્ષક દ્વારા વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાને આવશે અથવા બેદરકારીભર્યું મૂલ્યાંકન કરાયું તો શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે. શાળાઓએ ઓનલાઈન મુકેલ ગુણમાં કોઈ ખામી જણાય તો બોર્ડને જાણ કરવાની રહેશે. ગુણપત્રકના વિતરણ બાદ આ વર્ષે કોઈ જાતના સુધારા કરી અપાશે નહિ. આ ઉપરાંત તમામ આચાર્યોને ધોરણ 10 બાદ આપવામાં આવતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અંગે પણ સૂચના આપવામાં આવી છે. ધોરણ 10ના લિવિંગ સર્ટિફિકેટમાં ‘માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલ છે’ એવું રિમાર્કમાં લખવાની સુચના આપવામાં આવી છે.