ગુજરાત: સમગ્ર વિશ્વમાં ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ આપણી જવાબદારી બની જાય છે રાજ્યના દેશના કે વિદેશના સૌ નાગરિકો પર્યાવરણને બચાવવા સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે.

વાંસદાના પ્રકૃતિ પ્રેમી કિરણ પાડવી જણાવે છે કે આજે જયારે આપણે કોરોના જેવી વૈશ્વિક મહામારી સાથે સાથે વાવાઝોડા હીટવેવ ગ્લોબલ વોર્મિંગ પૂર હિમ સ્ખલન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે આપણને પ્રકૃતિ સાથે આપણે કરેલો અન્યાય પર્યાવરણીય તત્વો પર અતિક્રમણ જેવી બાબતો યાદ આવે છે. આ બાબતો અંગે ફકત આપણે વિચારીને માત્રને માત્ર પસ્તાવો કરીએ છીએ. પણ હવે પસ્તાવાથી કશું નથી થવાનું હવે આપણે આ કરેલી ભૂલોને સુધારવાનો સમય આવી ગયો છે. “પ્રકૃતિ અને પર્યાવરણ સાથે ન્યાય” કરવાનો સમય આવી ગયો છે. આપણે સૌ સાથે મળીને આ બીડું ઝડપશું તો જ પ્રકૃતિ સાથે ન્યાય એટલે કે જંગલોનું પ્રમાણ વધારી શકીશું ડુંગરો પર્વતો નદી તળાવો બરફના પહાડોને એમનાં મૂળ સ્વરુપે લાવી શકીશું. પશુ પંખીઓને એમનાં મૂળનિવાસ સ્થાનો આપી શકીશું.

સમાજસેવા અને પર્યાવરણના ક્ષેત્રમાં પણ અમુલ્ય યોગદાન આપતા નીલમ પટેલ પર્યાવરણ વિષે વાત કરતા જણાવે છે આજે માણસે પર્યાવરણ સાથે તાલમેલ મેળવવા માટે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો પડશે આપણી પ્રકૃતિ પુજકની જે ગ્રામીણ સંસ્કૃતિ પરંપરાઓ તેના તરફ પાછા વળવું પડશે  તેઓ કહે છે મહાત્મા ગાંધી કહે છે કે ‘પ્રકૃતિ માણસને બધું જ આપવા સક્ષમ છે પણ માણસની પ્રકૃતિ પાસેથી લેવાની લાલચ વૃતિ સંતોષી શકે એમ નથી’

પર્યાવરણ પ્રેમી મયંક પટેલનું જણાવે છે કે પર્યાવરણ પ્રત્યે માનવીની અસીમિત લાલચનાં લીધે પ્રકૃતિ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે હાલમાં જ કોરોનાની જે મહામારી આપણી સમક્ષ આવીને ઉભી રહી જેમાં આપણે પર્યાવરણને કરેલું નુકશાન આપણને નડ્યું એમ કહેવામાં કશું ખોટું નથી. આમ આપણે પ્રકૃતિનું હનન ન પોચાડતા એનું જતન કરીએ. સમગ્ર જીવસૃષ્ટિ અને માનવજાતનું અસ્તિત્વ પર્યાવરણ પર જ નિર્ભર છે.