વલસાડ: કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે આગામી 1 જૂલાઇથી ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાનો નિર્ણય કરતાં વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ તૈયારીમાં મંડી પડયું છે. ધો. 12ની મહત્વપૂર્ણ પરીક્ષા માટે વિભાગે જિલ્લાની શાળાઓમાં કુલ 1229 બ્લોક નક્કી કર્યા છે.અને દરેક વર્ગખંડમાં 20 વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ધો. 12ની પરીક્ષાઓનો સમયગાળો લંબાયો છે. વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે સાયન્સ અને સામાન્ય પ્રવાહ મળી કુલ 24524 વિદ્યાર્થી પરીક્ષામાં નોંધાયા છે. વલસાડમાં 1 જૂલાઇથી લેવાનારી ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોવિડ-19ની ગાઇડલાઇન અનુસરશે કુલ 24524 પૈકી સાયન્સના 8946 સામાન્ય પ્રવાહના 15578 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે.
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવા જણાવે છે કે વલસાડ જિલ્લામાં ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 1229 જેટલા બ્લોક તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સાયન્સ પ્રવાહ માટે 449 અને સામાન્ય પ્રવાહ માટે 780 બ્લોક રહેશે. ધો. 12 પરીક્ષા કોરોના ગાઇડલાઇન પ્રમાણે દરેક વર્ગખંડમાં સોશ્યિલ ડિસ્ટેન્સ સાથે માત્ર 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને ગોઠવણ સાથે ચૂસ્ત પાલન કરવામાં આવશે.

