દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વડોદરા: કઈ દિશા તરફ જઈ રહ્યું છે આજનું યુવાધન.. શું મુશ્કેલીઓ જીવનથી મોટી હોય છે..આવા સવાલો ત્યારે ઉભા થાય છે જ્યારે યુવાના આપઘાતના કિસ્સાઓ દિવસે-દિવસે વાંચવા સાંભળવા અને જોવા મળે આવો જ એક કિસ્સો ગતરોજ વડોદરામાં જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા બી. ટેકના 19 વર્ષના વિદ્યાર્થીએ 9મા માળેથી કૂદકો મારી આપઘાત કરી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવી છે .

સ્થાનિક પોલીસે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે વડોદરાના જૂના પાદરા રોડ પર ભદ્રલોક ફ્લેટના 9મા માળે રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રીજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. 19 વર્ષનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી. ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાને કારણે તે ઓનલાઇન અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. જોકે તેના ચાર કલાક પહેલાં સવારે 10 વાગે તેણે 9મા માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યાના કારણે નીચે પટકાતાં આયુષ સ્થળ પર જ ત્વરિત મૃત્યુ થયું હતું.

એમના પિતાનું કહેવું છે કે કાલે જ પુત્રે કીધું હતું, ‘હું IIMમાં ભણ્યા બાદ UPSCની પરીક્ષા આપીશ’ અને આજે આપઘાત માનવામાં નથી આવતું. આપઘાતની ઘટનાની જાણકારી મળતા જ  જે.પી. રોડ પોલીસ સ્થળ પર પોહચી હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં PM માટે ખસેડવામાં આવ્યો હતો. જે.પી. રોડ પોલીસ તપાસ અધિકારીનું કહેવું છે કે આયુષે ક્યાં કારણથી આપઘાત કર્યો છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી ન હોવાથી હાલમાં કોઈ નિર્ણય પર પોહ્ચવું ઉતાવળ ભર્યું પગલું ગણાશે.