દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ચીખલી: હાલમાં જ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં મુખ્યમાર્ગથી નવા ફળિયાને જોડતા માર્ગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટરે નકરી વેઠ ઉતારાતા 15 દિવસમાં જ ઠેરઠેર માર્ગની સપાટી બેસી જવા સાથે તિરાડ પડયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના ફડવેલ ગામે દાદરા કબીર આશ્રમથી સાદડવેલ અને નવા ફળિયાને જોડતા 1.45 કિ.મી.ની લંબાઈના માર્ગનું તાજેતરમાં જિલ્લા પંચાયત માગ મકાન વિભાગે અંદાજે 40 લાખથી વધુના ખર્ચે સડકનું નવિનીકરણ કરાયું છે. લાંબા સમયની માંગણી-રજૂઆત બાદ આ માર્ગનું નવિનીકરણ થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી પરંતુ પંદરેક દિવસોમાં જ માર્ગની અવદશા થતા સ્થાનિકોએ સ્થાનિક તાલુકા સભ્યને  રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના આ કામમાં જીએસબી, વેટમિક્સ, બીબીસી, કારપેટ, સિલિકોટ સહિતની વસ્તુઓ વાપરવામાં આવે છે  પરંતુ આ સડકની સ્થિતિ જોતા આ મુજબની ડિઝાઇન ક્યાંય દેખાતી નથી  સડક પર અલગ અલગ લેયરની જાડાઈ પણ જળવાઈ હોય તેમ લાગતું નથી. ફડવેલ ગામના નવા ફળિયા તરફ જતા માર્ગના નવિનીકરણમાં ઇજનેરો અને કોન્ટ્રાક્ટરે નકરી વેઠ ઉતારવા સિવાય કઈ જ કર્યું નથી તેથી સડકના તૈયાર થયાના 15-20 દિવસમાં જ ઘણા ઠેકાણે સડકની સપાટી બેસી ગઈ છે અને તિરાડો પણ પડેલી સ્પષ્ટ દેખાય છે. સડકના કામમાં ગેરરીતિ આચરી ગુણવત્તા ન જાળવવામાં આવે તો ચોમાસામાં માર્ગ ધોવાઈ જાય અને સરકારના લાખો રૂપિયા પાણીમાં જશે એ સ્પષ્ટ છે. સમગ્ર કામની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવાય અને સાથે માર્ગની સપાટીમાં પણ સુધારો કરવામાં આવે તે જરૂરી છે.