ચીખલી: ITIના વિવિધ કોર્સની મુદત પૂર્ણ થઈ છતાં પરીક્ષા નહીં લેવાતા ચીખલી સહિત આસપાસના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. ધોરણ-10ની પરીક્ષા માટે નિર્ણય લેવાતો હોય તો ITIના વિદ્યાર્થીઓ માટે કયા મુહૂર્તની રાહ જોવાઇ રહી છે તેવા સવાલો વિદ્યાર્થી અને વાલીઓમાં ઉભા થઈ રહ્યા છે.રાજ્યભરમાં કોરોના સંક્રમણના કારણે શૈક્ષણિક કાર્ય પર મોટી અસર જોવા મળી રહી છે. રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે.

ઓનલાઈન શિક્ષણને લઈને વિદ્યાર્થીઓમાં શરૂઆતથી જ શિક્ષણ મેળવવા પ્રત્યે તકલીફ ઉભી થઇ હતી.જેવીકે નેટવર્ક પ્રોબ્લેમ વગેરે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને ટેકનીકલ અને નોન ટેકનીકલ કોર્ષનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. છતાં શિક્ષકોએ તેમને ઓનલાઇન તાલીમ આપી તેમની પ્રાયોગિક પરીક્ષા લઇ વિદ્યાર્થીઓને ચકાસવાનો પણ પ્રયાસ કરાયો હતો. જોકે, આ ઓનલાઇન પરીક્ષા માત્ર પ્રાયોગિક ધોરણે જ લેવામાં આવી હતી તેનો બાદમાં કોઇપણ પ્રકારે અમલ નહીં થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. જ્યારે પ્રાયોગિક ધોરણે પરીક્ષા લેવાઇ હતી તો વિદ્યાર્થીઓમાં આનંદ પણ છવાય ગયો હતો.

બીલીમોરા, ચીખલી, ખેરગામ અને અગાસી સહિતના ગામોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાર્યરત છે. જેમાં હજારો વિદ્યાર્થીઓ ITIના વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સના અભ્યાસ કરી રહ્યા છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે કોર્સની મુદત પૂર્ણ થયાને લાંબો સમય વિતવા છતાં ફાઇનલ પરિક્ષા નહીં લેવાતા આ હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય વિકટ સ્થિતિ છે. ITI કોલેજના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા તો લેવાઈ ગઈ છે પરંતુ થિયરીની પરીક્ષા લેવાઈ નથી.

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ટ્રાયલ બેઝ પર ઓનલાઈન લેવાઈ હતી પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા છેલ્લે 27મી માર્ચે ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરી દેવાઈ હતી ત્યારબાદ આગળ કોઈ નિર્ણય લેવાયો નથી. ITIમાં ફાઇનલ પરીક્ષા અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ ફેલાયો છે.

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કિલ ડેવલોપમેન્ટના અને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના તાબામાં સંચાલિત ITI કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેના નિર્ણય બાબતે સાંસદ પણ રજૂઆત કરે તેવી લાગણી અને માંગણી વિદ્યાર્થીઓમાં ઉઠી છે. આખુ વર્ષ અભ્યાસ કર્યા પછી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળતા વાલીઓમાં પણ સરકારની નીતિ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.

ITIના વિદ્યાર્થીઓની પ્રેકટીકલની પરીક્ષા લેવાઈ ગઈ છે અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા શરૂ કરાઇ હતી. ફાઇનલવાળાની પણ શરૂઆત કરી હતી પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા 27મી માર્ચથી પરીક્ષા બંધ કરી દેવાઈ હતી. સંક્રમણ ઘટ્યાં બાદ ઉપરથી નિર્ણય આવ્યા બાદ પરીક્ષા શરૂ થઈ શકે તેમ છે. – કે.એ.પટેલ, આચાર્ય, બીલીમોરા આઈટીઆઈ

by: divyabhaskar