નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે પડેલા વરસાદથી કેરીના કુલ વાવેતર 34 હજાર હેકટર વિસ્તારમાંથી 7700 હેકટરમાં જ અસર થયાનો અંદાજ સરકારના પ્રાથમિક સરવેમાં આવ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવસારીમાં તાઉતે વાવાઝોડાના કારણે ફૂંકાયેલ ભારે પવન અને વરસાદમાં જિલ્લાના ખેડૂતોની હજારો મણ કેરી ભોંયભેગી થવાના કારણે ખુબ જ મોટું નુકસાન થવા પામ્યું છે વિતેલા વર્ષોમાં આવા પ્રકારની નુકશાની ક્યારેય ન થયાનું ખેડૂતો કહી રહ્યા છે. ગતરોજ દિવ્યભાસ્કર નામના સમાચારે પોતાના રીપોર્ટમાં નોંધ્યા અનુસાર સરકારે કરાવેલા પ્રાથમિક સરવેમાં જિલ્લાના કુલ 34 હજાર હેકટર કેરીના વાવેતર વિસ્તારમાંથી 7700 હેકટર ને જ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તાર બતાવવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે કુલ વાવેતર વિસ્તારમાંથી 23 ટકાને અસર થઈ હોવાનું બતાવાયું છે.

એમ કહેવાય રહ્યું છે કે નવસારી જિલ્લાના ખેડૂતો દ્વારા કુલ વાવેતરમાં 40થી 50 ટકા કેરી વાવાઝોડા અગાઉ ઉતારી લેવામાં આવી હતી પણ મોટાભાગના જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે મોટાભાગની કેરી ઝાડ ઉપર જ હતી આ સંજોગોમાં ઝાડ ઉપરની કેરીના વાવેતર વિસ્તારના અમુક વિસ્તારને પસંદ કરીને કરવામાં આવેલો નુક્સાનીનો સરવે સવાલ ઉભા કરે છે.  હાલમાં કેરીના પાકના નુક્સાનીનો ડિટેલ સરવે હજુ સુધી હાથ ધરવામાં આવ્યો નથી. જિલ્લાના ખેડૂતોનો મોટો વર્ગ ઈચ્છે છે કે સર્વે સરખી રીતે થાય અને નુક્સાનીનુ વળતર મળે એવી આશા બાંધી બેઠો છે.