સુરત: કોરોના મહામારીમાં સેવા અર્થે ગયેલા સુરતના ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા ત્યારે રસ્તામાં કાર ચાલક યુવાનને ઝોકું આવી જતા કાર રોંગ સાઈડમાં ટ્રક સાથે થયેલા અકસ્માતમાં તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યાની ઘટના આજ રોજ પ્રકાશમાં આવતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત ફર્યા હતા.
ફરતી વેળાએ વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ભટકાઇ હતી. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ સમાચાર મળતાં પરિવારમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. સુરતનું પી.પી.સવાણી ગ્રૂપએ આ ત્રણેય યુવાનોના બાળકોના ભણતરની જવાબદારી લીધી છે.

